Constitution બંધારણ

હાલાઈ મેમણ મોટી જમાઅત

૧૩, રક્ષાપાર્ક સોસાયટી, સરકારી ગોડાઉનની સામે, દાણીલીમડા, અમદાવાદ - ૩૮૦૦૨૮ 


બંધારણ

કલમ (૧)     સંસ્થાનુ નામ :

હાલાઈ મેમણ મોટી જમાઅત રહેશે.

કલમ (૨)     સ્થળ :

૧૩ રક્ષાપાર્ક સોસાયટી, દાણીલીમડા, અમદાવાદ.

કલમ (૩)     ભાષા :

આ સંસ્થાની સત્તાવાર ભાષા ગુજરાતી રહેશે.

કલમ (૪)     હિસાબી વર્ષ :

આ સંસ્થાનુ હિસાબી વર્ષ નાણાંકીય વર્ષ મુજબ એટલે કે પહેલી એપ્રીલ થી ૩૧મી માર્ચ પ્રમાણે હિસાબ રાખવામાં આવશે.

કલમ (૫)     કાયક્ષેત્ર :

આપણી જમાઅતનું કાર્યક્ષેત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ સુધીનું જ રહેશે.

(૧) સભ્યપદ :

આપણી જમાઅતનું સભ્યપદ ૨૧ વર્ષની ઉપરના હાલાઇ મેમણ હોય તે અને છેલ્લા બે વર્ષોથી અમદાવાદ શહેરમાં વસવાટ કરતા હશે તેમજ રેશનકાર્ડ ધરાવનાર વ્યકિત જ સભ્યપદ ધરાવી શકશે.

(૨) દાખલ ફી :

આપણી જમાઅતમાં નવા સભ્ય તરીકે જોડાનાર સભ્યે વેપારીઓ માટે રૂ. ૩૩૦૦ અને તે સિવાય માટે રૂ. ૧૬૦૦ દાખલ ફી સાથે નિયત ફોર્મ સભ્યપદ માટે ભરવાનું રહેશે. જે ફોર્મમાં પોતાના વોર્ડના કારોબારી સભ્યની ઓળખાણ અંગેની સહી જરૂરી ગણાશે કારોબારીની મંજુરી પછી તેને જમાઅતના સભ્ય તરીકે દાખલ કરી શકાશે.

(૩) વાર્ષિક ફી :

આપણી જમાઅતની વાર્ષિક સભ્ય ફી હાલમાં દુકાનદાર તેમજ વ્યવસાયીઓ માટે વાર્ષિક રૂ. ૩૦૦ છે અને તે સિવાયનાઓ માટે વાર્ષિક રૂ. ૧૦૦ ફી છે.

(૪) સભ્ય કોણ ગણાશે :

આપણી જમાઅતના દફતર ઉપર જે સભ્ય નોંધાયેલ હશે તે જમાઅતના સભ્ય ગણાશે. તે સિવાયના જમાઅતના સભ્ય ગણાશે નહિ અને તેમને ત્યાં જમાઅતના ઇજન મોકલવાનો સવાલ રહેશે નહિ.

કલમ (૭)     અસ્કયામત :

હાલાઇ મેમણ જમાઅતના ભુતકાળના કે હાલના પ્રમુખ સેકેટરી કે હોદેદાના નામ ઉપર જે કંઇ મિલ્કત કે મિલ્કતો, બેંક બેલેન્સ કે અન્ય રોકડ અસ્કયામત હશે તેની સંપુર્ણ માલિકી આપણી
સદરહુ જમાઅતની જ રહેશે. તેના ઉપર વ્યકિતનો વ્યકિતગત હકક અધિકાર ગણાશે નહિ.

કલમ (૮)     જમાઅતનો હકક :

નિકાહ હકના દુલ્હા પક્ષ તરફથી ૩૦૦ અને દુલ્હન પક્ષ તરફથી ૧૫૦ આપવાના રહેશે.

કલમ (૯)     રજા ચિઠ્ઠી :

લગ્ન પ્રસંગે બન્ને પક્ષોએ પોતાની જમાઅત પાસેથી રજાચિઠ્ઠી મેળવવાની રહેશે. આપણી જમાઅતમાં બહારગામથી શાદી માટે આવનારાઓ પોતાના ગામની જમાઅતની રજાચિઠ્ઠી સાથે લઇને જ આવવું. રજાચિઠ્ઠી વિના લગ્ન થશે તો તે અંગે હાલાઇ મેમણ મોટી જમાઅતની વાંધા વિવાદ માટે કોઇ જવાબદારી ગણાશે નહિ.

કલમ (૧૦)     ફેંસલા કમીટી :

આપણી જમાઅતના સભ્યોના સામાજીક વાંધા-વિવાદના સુખદ અને સમાધાન કારક ફેંસલા માટે
પોતાનો વિવાદાસ્પદ પ્રશ્ન ફેંસલા કમિટિને સોંપવાનો રહેશે. ફેંસલા કમિટિને સોંપ્યા વગરના પ્રશ્ન માટે કે વિવાદ માટે જમાઅતની કોઇ જવાબદારી ગણાશે નહિ.

કલમ (૧૧)     કાર્ય પધ્ધતિ :

જમાઅતની કાર્ય પધ્ધતિ નીચે મુજબ રહેશે.

(૧) વાર્ષિક સામાન્ય સભા એટલે કે જનરલ સભા.

(૨) હોદ્દેદારો.

(૩) કારોબારી કમિટી.

(૪) ફેંસલા કમિટી.

(૫) અન્ય પેટા કમિટી.

(૧) વાર્ષિક સભાઃ
એટલે કે આ સભામાં આપણી જમાઅતના દરેક સભ્યો હાજરી આપી શકશે. તેને વાર્ષિક સભા કહેવાશે.

(૨)હોદ્દેદારો :
(૧) પ્રમુખ (૨) ઉપપ્રમુખ (૩) ઓન.જ. સેક્રેટરી (૪) જોઇન્ટ સેક્રેટરી (૫) ખજાનચી (૬) ઓડીટર.

(૩) કારોબારી કમિટી :
આપણી જમાઅતની કારોબારી કમિટી હોદ્દેદારો સહિત વધુમાં વધુ કુલ ૪૦ સભ્યોની રહેશે.

(૪) ફેંસલા કમિટી :
આ કમિટીમાં જમાઅતના પ્રમુખ ઉપપ્રમુખ ઓન.જ.સેકેટરી તેમજ અન્ય છ કે સાત સભ્યો મળી કુલ ૯ અથવા ૧૦ સભ્યોની ફેંસલા કમિટી બનાવવાની રહેશે. જેની વરણી દર વર્ષે જનરલ સભામાં કરવામાં આવશે.

પ્રમુખ :
આપણી જમાઅતના પ્રમુખની વરણી ચુંટણી દર ૩વર્ષે વાર્ષિક જનરલ સભામાં કરવાની રહેશે.

() પ્રમુખપદની ઉમેદવારી નોંધાવનાર છેલ્લા પાંચ વર્ષથી જમાઅતનો સભ્ય હોવો જોઇએ.
(૨) જમાઅતના બંધારણ તેમજ નિયમોનો ભંગ કરેલ ન હોવો જોઇએ.
(૩) ઉમેદવારનો કોઇ વાંધો વિવાદ જમાઅતની ફેંસલા કમિટીમાં ન હોવો જોઇએ.
(૪) જમાઅતનું લવાજમ નિયમિત આપેલ હોવું જોઇએ.
(૫) ઉમેદવારનું ફોર્મ મંજુર રાખવું કે નહિ તે ચૂંટણી અધ્યક્ષને સત્તા રહેશે.

મતદાર :
આપણી જમાઅતનો સભ્ય તેમજ કુટુંબના પક્ષએ અધિકૃત કરેલ વ્યકિત જમાઅતની વાર્ષિક જનરલ સભામાં હાજર રહી મતદાન સમયે પોતાનો મત આપી શકશે અને ચર્ચામાં ભાગ લઇ શકશે. આ સિવાય અન્ય કોઇ મતદાન કરી શકશે નહિ, તેમજ જમાઅતની કાર્યવાહીમાં દખલ કે ચર્ચા કરી શકશે નહિ.

કારોબારી સભ્ય :

વાર્ષિક જનરલ સભામાં જાહેર થાય તે મુજબ પોતાના વોર્ડના સભ્યોની વરણી કરવામાં આવશે. નિયત સંખ્યા કરતા વધુ સભ્યોના નામ આવશે, તો જે તે વોર્ડના સભ્યોએ પોતાના વોર્ડમાં ચૂંટણી નિરિક્ષક તારીખ આપે તે તારીખે ચુંટણી કરવાની રહેશે. અને આ રીતે વરાએલા કે ચૂંટાયેલા સભ્યો કારોબારીના સભ્યો ગણાશે.

કો ઓપ્ટ :
કારોબારી સભ્ય તરીકે જમાઅતના અન્ય કોઈ કાર્યકરને કો.ઓપ્ટ કરવાની પ્રમુખ સાહેબને સત્તા રહેશે. વરાએલ કે ચુંટાયેલ કારોબારીના સભ્યો પોતાના હોદ્દેદારોની વરણી તે પછીની પ્રથમ કારોબારીની મીટીંગમાં કરશે.

કારોબારી કમિટીની સમય મર્યાદા :

પ્રમુખ સિવાયના અન્ય હોદ્દેદારો તેમજ કારોબારી કમિટીના સભ્યોની સમય મર્યાદા સામાન્ય સભા
સુધીની રહેશે, પરંતુ વર્ષ પુરૂ થયા પછી એટલે કે તા:૩૧ મી માર્ચ પછી કોઇ આર્થિક બાબતના તેમજ નીતિ વિષયક નિર્ણય જુની કારોબારી કમિટી લઇ શકશે નહિ. જનરલ સભાની મીટીંગ મોડામાં મોડી ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં બોલાવવાની રહેશે.

વાર્ષિક અહેવાલ :
વાર્ષિક સામાન્ય સભામાં જમાઅતની વાર્ષિક પ્રવૃત્તિઓનો અહેવાલ , આવક-જાવકનો હિસાબ તેમજ અંદાજપત્ર રજુ કરવાનું રહેશે.

સામાન્ય સભા :
સામાન્ય સભા વરસમાં બે વખત બોલાવવાની રહેશે જેમાં નીચે મુજબ કાર્યવાહી કરવાની રહેશે :

પહેલી મીટીંગ (છ માસીક) :

(૧) જમાઅતના સભ્યોનાં મંતવ્યો, રીત રીવાજો અંગે સુચનો અને અન્ય કાર્યક્રમોનુ આયોજન.

બીજી મીટિંગ (વાર્ષિક):

(૨) વાર્ષિક સામાન્ય સભામાં ઉપરોકત નોંધ વાર્ષિક અહેવાલ માં જણાવ્યા મુજબ અહેવાલ તેમજ ચુંટણી અને આયોજન.

રેકવીઝીશન મીટીંગ :

(૩) આપણી જમાઅતના નોંધાયેલ સભ્યોમાંથી ઓછામાં ઓછા રપ ટકા સભ્યો તરફથી અગત્યની બાબત અંગેનુ આવેદન પત્ર જમાઅતને આપે તેના પંદર દિવસમાં સેકેટરીએ કારોબારીની સુચના અનુસાર જનરલ સભા બોલાવવાની રહેશે.

(૪) જનરલ સભાનો એજન્ડા મોડામાં મોડો મીટીંગના ચાર દિવસ પહેલા દરેક સભ્યોને મોકલવાનો રહેશે. સામાન્ય સભાનું કોરમ નોંધાયેલ સભ્યોના ૧/૬ સભ્યોનું રહેશે. માહિતી અભાવે મુલ્તવી રહેલી મીટીંગ, બીજી વખત મુલ્તવી રહેશે નહીં પરંતુ એ જ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરી નિર્ણય થઇ શકશે.

કલમ (૧૨)     સત્તા અને ફરજો

પ્રમુખની સત્તા અને ફરજો :

ફરજો :

(૧) સંસ્થાની દરેક સભાઓમાં પ્રમુખપદ સંભાળશે. અને મીટીંગ બોલાવવા સેક્રેટરીને સુચના આપી શકશે. તેમજ તમામ સબ-કમિટીઓમાં 12%-Ex-Officio(ધારાના અધિકારી) તરીકે હાજર રહી શકશે.

(૨) ચાલુ મીટીંગમાં સભ્યોને બીનસંસદીય બાબતો માટે બોલતા અટકાવી શકશે તેમજ સભ્યોને બોલવા માટેનો ટાઇમ નકકી કરી શકશે, મીટીંગમાં અશાંતિ ફેલાય તેવું વાતાવરણ સર્જાય તો, મીટીંગ બરખાસ્ત કરી શકશે, સભાનું ગૌરવ અને શિસ્ત જળવાઇ રહે તે માટે યોગ્ય દોરવણી આપશે.

(૩) કોઇપણ ઠરાવ ઉપર મત લેતાં, બન્ને બાજુ સરખા મત થતાં હોય તો પ્રમુખ (કાસ્ટીંગ વેટ) ખાસ નિર્ણાયક મત આપી શકશે. બીજા કોઇ સંજોગોમાં આ મતનો ઉપયોગ થઇ શકશે નહિ.

(૪) સંસ્થાની દરેક પ્રવૃત્તિ ઉપર પ્રમુખ સાહેબ દેખરેખ રાખશે.

(૫) બંધારણીય જોગવાઇ,સામાજીક પ્રણાલીકા તેમજ રીતિરીવાજોના નિયમો સંબંધી જયારે જયારે જરૂર જણાય ત્યારે ત્યારે પ્રમૃખ પોતાનો નિર્ણય આપશે અને આ નિર્ણય છેવટનો તેમજ સર્વેને બંધનકર્તા ગણાશે.

(૬) સામાન્ય સભા તેમજ કારોબારી કમિટીએ પસાર કરેલ ઠરાવોનું તેમજ નિયમોનું પાલન થાય છે કે નહિ તે પ્રત્યે યોગ્ય તકેદારી રાખશે અને પાલન કરવા, કરાવવા યોગ્ય પગલા લેવા પ્રયત્નો કરશે.

(૭) એજન્ડા સિવાયના પ્રશ્નોને અંગે પ્રમુખ સાહેબ, હકીકતનું મહત્વ ધ્યાનમાં લઇ, ચર્ચા હાથ ધરી શકશે. તેમજ મંજુરીથી દરેક સભ્ય પોતાના પ્રશ્ર્નો રજુ કરી શકશે.

(૮) પ્રમુખ સાહેબે દરેક મીટીંગમાં અનિવાર્ય સંજોગો સિવાય અચુક હાજરી આપવાની રહેશે.

સત્તાઓઃ

(૧) જમાઅતનું દફતર રેકર્ડ હિસાબ તેમજ સિલક સેક્રેટરી પાસેથી તેમજ ખજાનચી પાસેથી જોવા તપાસવાનો પ્રમુખને હકક રહેશે.

(૨) સંસ્થાની મિલ્કતોની દરેક લેવડ-દેવડ, ખરીદ-વેચાણ ભાડાખત તથા દસ્તાવેજ સંસ્થા વતી પ્રમુખના નામે થશે.
સમાજના તથા અન્ય શખ્સ કે શખ્સો સાથે કોઇપણ જાતનો કરાર કે વ્યવહારપ્રમુખ  જમાઅતના નામે, જમાઅત વતી કરી શકશે. તેમજ જમાઅતનું પ્રતિનિધત્વ અન્ય સમાજમાં ધરાવી શકશે અને કોર્ટે, કચેરી કે ઓફીસમાં જમાઅતના નામે અરજ, અહેવાલ, જવાબ, દાવા ફરીયાદ તેમજ અપીલ વિગેરે કરી શકશે.

(૩) જમાઅતના નોકરોમાં ફેરફાર કરવો, નવા માણસો રાખવા, છુટા કરવા તેમજ રજા મંજુર કરવા જેવા કામ માટે સેક્રેટરીની સલાહ લઇ શકશે, પરંતુ નોકરોને જો પોતાને અન્યાય થયો હોય તેમ જણાય તો, સેક્રેટરીના ઠરાવ પર પ્રમુખ સાહેબ સમક્ષ તે અપીલ કરી શકશે, અને પ્રમુખ સાહેબ તે અપીલ નિર્ણય માટે કારોબારી પર મોકલશે અને કારોબારી જે નિર્ણય આપશે તે આખરી ગણાશે.

(૪) જમાઅતના મકાનોના દસ્તાવેજો, ભાડાખત , અન્ય જરૂરી દસ્તાવેજો તેમજ અગત્યના કાગળો પ્રમુખ સાહેબ પોતાના કબજામાં રાખશે, પ્રમુખ સાહેબને તાકીદની બાબતમાં રૂ. ૧૦,૦૦૦ જમાઅતના કાર્યમાં તેમજ સામાજીક કાર્યમાં વાપરવાની સત્તા રહેશે. જો કે આ અંગેનો વિગતવાર અહેવાલ તેમણે પછીની મીટીંગમાં રજુ કરવાનો રહેશે

(૫) પ્રમુખ સાહેબ પોતાની સહી કરી ખાસ તાકીદની કારોબારીની મીટીંગ ૨૪ કલાક અગાઉ સરકયુલર ફેરવીને બોલાવી શકશે. એ રીતે સામાન્ય સભા પણ બોલાવી શકશે.

કલમ (૧૩)     ઉપપ્રમુખ :

પ્રમુખ સાહેબની ગેરહાજરીમાં ઉપપ્રમુખ દરેક મીટીંગમાં પ્રમુખ સ્થાન લેશે. અને પ્રમુખ તરીકેની દરેક ફરજો બજાવશે અને ફરજ અદા કરશે. આ રીતે તે પ્રમુખ જેટલી જ ફરજો અદા કરશે અને સત્તા ભોગવશે.

કલમ (૧૪)     કામ ચલાઉ પ્રમુખ :

જયારે પ્રમુખ અને ઉપપ્રમુખ બન્ને કોઇપણ મીટીંગમાં ગેરહાજર હશે ત્યારે કાર્યવાહી કમિટી,
મીટીંગ પુરતા પ્રમુખની કામચલાઉ વરણી કરી શકશે. અને આ કામચલાઉ પ્રમુખ મીટીંગની જવાબદારી સાથે પ્રમુખ તરીકેની દરેક સત્તા અને ફરજો અદા કરી શકશે.

કલમ (૧૫)     સેક્રેટરીની સત્તા અને ફરજો :

(૧) સંસ્થાનો દરેક પત્રવ્યવહાર ફાઇલો, મીનીટસ અને સરકયુલરની સદ્યળી જવાબદારી સેક્રેટરીના શીરે રહેશે.

(૨) જમાઅતને લગતી બાબત અથવા અન્ય સામાજીક બાબત અંગે પોતાની સહીથી સરકયુલર મોકલી મીટીંગ બોલાવી શકશે. ૪૮ કલાક પહેલા સરક્યુલર મોકલી ખાસ તાકીદની કારોબારી મીટીંગ તેમજ સામાન્ય મીટીંગ સેક્રેટરી બોલાવી શકશે.

(૩) મીટીંગ અંગેની મીનીટસ લખવાની કાર્યવાહી અદા કરશે. અને દરેક મીટીંગમાં અગાઉની
મીટીંગની મીનીટસ વાંચી સંભળાવી મંજુરી મેળવી, ચાલુ મીટીંગની કાર્યવાહીની મીનીટસ લખશે.

(૪) મીટીંગમાં એજન્ડા મુજબ દરેક પ્રશ્નોની ક્રમવાર રજુઆત કરશે.

(૫) જમાઅતને લગતી કોઇપણ અરજી કે ફરીયાદ સ્વીકારી શકશે. અને સંબંધકર્તા પેટાકમિટીને ઘટતી કાર્યવાહી માટે સુપ્રત કરશે.

(૬) બજેટની હદમાં ખર્ચ કરી શકશે અને તેના દરેક બીલ તથા વાઉચરને જાળવી રાખશે. અને કારોબારીમાં કરેલ ખર્ચની મંજુરી મેળવશે.

(૭) સેક્રેટરીને તાકીદની બાબતમાં કારોબારીની મંજુરીની અપેક્ષાએ રૂ. ૫,૦૦૦ અંકે રૂપીયા પાંચ હજાર સુધીનો ખર્ચ કરવાનો અધીકાર રહેશે.

(૮) જમાઅતની દરેક બાબત તેમજ કમિટીઓ ઉપર જવાબદારી પુર્વક દેખભાળ રાખશે.

(૯) વર્ષ પુરૂ થયા પછી નીયત સમયમાં, ઓડીટ થયેલા હિસાબો તેમજ રીપોર્ટ કારોબારી સમક્ષ રજુ કરશે અને વર્કીંગ કમિટીની મંજુરી મેળવી, છપાવી સામાન્ય સભા પહેલા દરેક સભ્યોને આ રીપોર્ટ મોકલી આપશે.

(૧૦) સેક્રેટરી પોતાની પાસે વધુમાં વધુ રૂ. ૫,૦૦૦ અંકે રૂપીયા પાંચ હજાર સુધીની સિલક રાખી શકશે.

(૧૧) પુરા થતા વર્ષની જે પ્રવૃત્તિ અને કાર્યવાહી જમાઅતે કરેલ હશે તેનો ટુંકો અહેવાલ કારોબારી સમક્ષ રજુ કરશે.

(૧૨) પ્રમુખ સાહેબની સાથે રહી એટલે કે તેમની અગુમતિથી સંસ્થાના નોકર કે નોકરોને છુટા કરી શકશે તેમજ નવો સ્ટાફ રાખી શકશે. અને તે બાબત કારોબારી કમિટીની મીટીંગ મળતાં મંજુરી મેળવશે.

(૧૩) જમાઅતના બંધારણ, નિતિ નિયમોના અર્થ ઘટનની પુરી સમજ ધરાવશે અને તેના અમલ માટે અંત :કરણપુર્વક પ્રયાસો કરશે અને કરાવશે.

(૧૪) સમાજમાંથી ખોટા રીવાજો દુર કરવા અને જાનવાણી રૂઢીચુસ્ત ખર્ચાળ પ્રથાઓ બંધ કરાવવા સમજપુર્વક અને કુનેહપુર્વક કાર્યવાહી હાથ ધરી દરેકને નેક અમલ માટે સમજાવશે.

(૧૫) સેક્રેટરીનો હોદ્દો એ જમાઅત માટે અગત્યનો હોદ્દો છે. જેમ શરીરમાં હૃદયનું સ્થાન મહત્વનું ગણાય છે, તેમ સેક્રેટરીએ જમાઅતનું હૃદય સમાન અંગ ગણાય. તે બાબતનો ખ્યાલ રાખી સેક્રેટરી પોતાની ફરજો અદા કરશે.

(૧૬) સેક્રેટરીએ કાસબારી કમિટીના દરેક સભ્યોને પોતાના સહકાર્યકરો ગણી, પરસ્પર સંપ સલાહ અને સમજુતિથી કાર્ય કરવાનું રહેશે.

(૧૭) સેક્રેટરીનો હોદ્દો અને મરતબો આદર્શ સમાજના પ્રતિબિંબ સમાન ગણાવો જોઇએ. તેનું મહત્વ સમજી સેક્રેટરી પોતાની જવાબદારી અદા કરશે.

કલમ (૧૬)     જોઇન્ટ સેક્રેટરીની સત્તા અને ફરજો :

(૧) ઓન.જનરલ.સેક્રેટરીની સાથે રહી સઘળુ કામકાજ કરવાનું રહેશે.
(૨) ઓન.જ. સેક્રેટરીની ગેરહાજરીમાં સેક્રેટરી તરીકેની દરેક સત્તા, ફરજો તેમજ જવાબદારી અદા કરવાની રહેશે.
(૩) ઓન.જ.સેક્રેટરી જમાઅતને લગતા જે કામ સોંપે તે તમામ કાર્યો નિષ્ઠાપુર્વક અદા કરશે.

કલમ (૧૭)     ખજાનચી :

(૧) કારોબારીની સુચના અનુસાર ફંડની વ્યવસ્થા કરશે.
(૨) જમાઅતનું ભંડોળ જે આવે તેમાંથી વહીવટી ખર્ચને ધ્યાનમાં રાખી વધુમાં વધુ રૂ. ૫૦૦૦ રૂપિયા પાંચ હજાર સુધીની રકમ પોતાની પાસે રાખી શકશે. વધારાની રકમ નિયત બેંકમાં જમા કરાવવાની રહેશે.
(૩) સંસ્થાના કામો અંગે પ્રમુખ તેમજ સેક્રેટરીની ચિઠ્ઠી મુજબ રકમ ચુકવશે તેમજ કારોબારી નિર્ણય લે તે મુજબ રકમ ચુકવશે.
(૪) જમાઅતના નામના બેંક એકાઉન્ટની સ્લીપ બુકો, ચેકબુકો,પાસબુકો તેમજ હિસાબ કિતાબને લગતા અગત્યના દસ્તાવેજો, કાગળો ખજાનચીએ પોતાના કબજામાં રાખવાના રહેશે.
(૫) ખજનચીની જવાબદારી બીજા ખજાનચી જવાબદારી અને હિસાબ ન સંભાળે અગર તો જયાં સુધી તેને હિસાબ સોંપવામાં આવે નહિં ત્યાં સુધી જાના ખજનચીની જવાબદારી ચાલુ રહેશે.

કલમ (૧૮)     બેંક ખાતાઓ :

આપણી જમાઅતના નામનું કારોબારી નિર્ણય લે તે મુજબ સ્થાનિક બેંકમાં ખાતુ ખોલવવાનું રહેશે. અને આ ખાતુ પ્રમુખ,સેકેટરી તેમજ ખજાનચીની સહીઓ પૈકી કોઈપણ બે ની સંયુકત સહીથી ચલાવવાનું રહેશે.

કલમ (૧૯)     કારોબારી કમિટીની સત્તા અને ફરજો :

(૧) કારોબારી કમીટીના સભ્ય, કમિટી વીના સંકોચે, નિડરતાથી પોતાના મંતવ્યો રજુ કરી શકશે. જમાઅતની પ્રતિભા વધે અને કાર્યકરોમાં એકતા અખંડીત રહે તે રીતે દરેક કાર્ય કરશે.

(૨) કારોબારી કમિટીમાં થયેલ ચર્ચાવિચારણાની ગુપ્ત બાબતો જાહેર નહીં કરે. કોઇપણ સભ્ય રાગદ્વેષ અને દ્વેષભાવ એકબીજા માટે નહીં રાખતા, નિખાલસતા કેળવશે.

(૩) કારોબારી સભ્ય એ જમાઅતની જવાબદાર વ્યકિત ગણાય જમાઅતના બંધારણ, રીતરિવાજો તેમજ કાયદાઓનું પાલન કરવું તે સભ્યની નૈતિક ફરજ છે. અને તે મુજબ તેણે દરેક બાબતનો અમલ કરાવવા હંમેશા નૈતિક બળ પેદા કરવું પડશે.

(૪) કારોબારી સભ્યને ગેરરસ્મી રિવાજો ,રેઢીંચુસ્ત વ્યવહારો અને ખર્ચાળ રસ્મોને તિલાંજલી આપવા તેણે સમાજને દાખલા પુરા પાડવા પડશે. અને કટીબદ્ધ થવું પડશે.

(૫) હોદ્ધેદારો તેમજ કારોબારીના સભ્યોનું માન જળવાઇ રહે તેનો દરેક સભ્યે હંમેશા ખ્યાલ રાખવાનો રહેશે.

(૬) જરૂરત મુજ્બ ડપ્યુટેશનો, ડેલીગેશનો કે પ્રતિનિધિઓ મોકલી શકશે.

(૭) સંસ્થાના નામે રાજકીય તેમજ ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર, સંસ્થાના ધારા-ધોરણ તેમજ બંધારણનો ભંગ કરનાર સભ્યની સામે યોગ્ય પગલા લેવામાં આવશે. કારણદર્શક નોટિસ આપી તેનો ખુલાસો ધ્યાનમાં લઇ તેવા સભ્યને સભ્ય તરીકે ચાલુ રાખવા કે નહિં તેનો નિર્ણય કારોબારી કમિટી કરશે.

(૮) સંસ્થાના નામે કોઇપણ સભ્ય, અંગત સ્વાર્થ ખાતર સંસ્થાના હિતને નુકશાન કરી શકશે નહીં અને તેવા કાર્ય માટે સંસ્થાની કોઇપણ જાતની જવાબદારી ગણાશે નહિ.

(૯) સંસ્થાના હેતુઓ અને આયોજનના અમલ માટે દરેક સભ્યો હળીમળીને તન,મન અને ધનથી સાથ સહકાર આપી પોતાની નેક ફરજ અદા કરશે. બંધારણની હદમાં રહી દરેક પ્રવૃત્તિ, ઉપર દેખરેખ રાખશે. સુધારા વધારા રજુ કરી શકશે. સંસ્થાના ઉત્કર્ષ માટે શર્તી કે બિનશર્તી ફંડ ફાળા ઉધરવી શકશે.

(૧૦) સંસ્થાના હિતને નુકશાનકર્તા થાય અને પોતાને સત્તા ન હોવા છતાં સંસ્થાના નામે પત્રવ્યવહાર કે નિવેદન કરે અગર સમાજમાં કે વ્યકિતગત કુસંપ થાય તેવું વર્તન દાખવે તો તેવા સભ્યનું સભ્યપદ કમિટી રદ કરી શકશે. અને આવા સભ્ય તરફથી મળેલ લવાજમ અગર ડોનેશન પાછું આપવામાં આવશે નહિં, પરંતુ સભ્યપદ રદ કરવા માટેનો ઠરાવ મીટીંગના એજન્ડા ઉપર હોવો જરૂરી છે. સભામાં હાજર રહેલા મેમ્બરોની બહુમતીથી ઠરાવ કરેલ હોવો જોઇએ.

(૧૧) મેનેજીંગ કમિટીના કોઇપણ સભ્ય કમિટીની મીટીંગના ખબર મળ્યા છતાં યોગ્ય કારણ વગર સતત ત્રણ વખત ગેરહાજર રહેશે તો કારોબારી કમિટીના સ્થાનેથી દુર કરવા પાત્ર થશે. સતત ગેરહાજર રહેનાર પાસેથી કમિટી કારણદર્શક નોટીસ આપી લેખિત ખુલાસો માંગી શકશે અને હકિકત ધ્યાનમાં લઇ યોગ્ય નિર્ણય લઇ પગલાં લેશે.

(૧૨) મેનેજીંગ કમિટીના કોઇપણ ઠરાવ કે કાર્ય વિરૂધ્ધ ને ઠરાવની તારીખથી ૩૦ દિવસની અંદર સામાન્ય સભા બન્ને પક્ષકારોને સાંભળી યોગ્ય ફેસલો આપશે.

(૧૩) કોઇપણ વ્યકિત કે વ્યકિતઓનો સમુહ જમાઅતમાંથી છુટા થાય તો તે વ્યકિત કે સમૃહનો જમાઅતની માલ-મિલ્કત કે અન્ય અસ્કયામતમાં કોઇપણ જાતનો હકક-અધિકાર રહેશે નહિં. અને તેમના છુટા થવાથી મજકુર અધિકારોમાંથી બરતરફ થયેલા ગણાશે. અને તેમના હકક-અધિકાર નાબુદ થયેલા ગણાશે.

(૧૪)પ્રમુખ, કોઇપણ હોદ્દેદારો તેમજ મેમ્બરનું આવેલ રાજીનામું પાસ કરી શકશે. ખાલી પડેલ જગ્યાએ પ્રમુખ સિવાયના બીજા હોદ્દેદારો તથા મેમ્બરની નિમણુંક કરી શકશે.

(૧૫) સંસ્થાનો હિસાબ તપાસવા મેમ્બરોમાંથી તેમજ જરૂર જણાતાં બહારની જવાબદાર વ્યકિતને ઓડીટર તરીકે નીમી શકશે, અને જરૂર જણાય તો તેનું યોગ્ય મહેનતાણું પણ નકકી કરી શકશે.

કલમ (૨૦)     જમાઅતના દરેક સભ્યોની સત્તા અને ફરજો :

(૧) આ જમાઅત પોતાનું તમામ કામકાજ તથા વહીવટ ચુટેલા હોદ્દેદારો તથા કારોબારી કમિટી મારફત કરાવશે.
(૨) જમાઅતના સામાન્ય સભ્યોનું એક બોર્ડ રહેશે અને તેને જનરલ મીટીગ અથવા જમાઅત કહેવાશે.
(૩) સામાન્ય સભા વરસમાં ઓછામાં ઓછી એકથી બે વખત મળશે.
(૪) સામાન્ય સભાનું ફોરમ જમાઅતના તમામ હયાત સભ્યોના છઠ્ઠા ભાગનુ રહેશે.
(૫) સામાન્ય સભા બંધારણ તેમજ ધારાધોરણમાં હેરફેર સુધારો, વધારો, ઘટાડો વિગેરે જમાઅતના હાજર રહેલા સામાન્ય સભાના સભ્યોની બહુમતિથી કરી શકશે.
(૬) પ્રમુખનું આવેલ રાજીનામું મંજુર કરી બીજા પ્રમુખની વરણી કરી શકશે.

કલમ (૨૧)     સભાઓ તથા મીટીગો બોલાવવા અંગે :

(અ) કારોબારી કમિટીની મીટીંગ :

(૧) પ્રમુખ અને સેક્રેટરીને જરૂર જણાંતા, તેઓ મીટીંગ બોલાવી શકશે, મહિનામાં એકથી બે વખત મીટીંગ બોલાવશે. આવેલ અરજીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરશે.

(૨) કારોબારી કમિટીના ઓછામાં ઓછા ૭ સભ્યોની માંગણી અને લેખીત સહીથી સેક્રેટરીએ નોટીસની તારીખથી મોડામાં મોડી એક અઠવાડીયામાં કારોબારી કમિટીની મીટીંગ બોલાવવાની રહેશે.

(૩) નિયમિત મીટીંગની જાણ ૪૮ કલાક પહેલા અને તાકીદની મીટીંગની ૨૪ કલાક પહેલા સરક્યુલર ફેરવી દરેક સભ્યોને જાણ કરવામાં આવશે, પરંત સંજોગવશાત કોઇ સભ્યને જાણ ન થઇ શકે તો તે કારણસર મીટીંગનું કામકાજ ગેરકાયદેસર ગણાશે નહિં.

(બ) જનરલ સભા :

(૧) જનરલ સભાની મીટીંગની જાણ ઓછામાં ઓછા ત્રણ-ચાર દિવસ પહેલા કરવાની રહેશે. આ મીટીંગનો એજન્ડા ટુંકમાં હશે. કોઇ સભ્યને જનરલ મીટીંગની જાણ ન થઇ શકી હોય, તો તે કારણસર ગેરહાજર રહેનાર સભ્યની ગેરહાજરીમાં થયેલ કામકાજ કાયદેસર ગણાશે.

(૨) કોઇપણ સભ્ય પોતાના વિચારો તેમજ સુધારા વધારા અંગેના સુચનો મીટીંગ અગાઉ લેખિત મોકલી શકશે, અને મીટીંગ સમયે સુચનો તેમજ સુધારા વધારા સૂચવનાર સભ્યે અવશ્ય હાજરી આપવાની રહેશે ગેરહાજર સભ્યના સુચનો અંગે કોઇ નિર્ણય લેવામાં આવશે નહિં.

(૩) કોઇપણ ખાસ કાર્ય અંગે કારોબારી કમિટીના ઠરાવથી કોઇપણ સ્થળે અને વખતે સેકેટરી સામાન્ય સભા બોલાવશે.

(૪) વાર્ષિક હિસાબી વર્ષ પુરૂં થાય તેના બે માસની અંદર ઓડીટ હિસાબ ખજાનચીએ કારોબારી કમિટી સમક્ષ રજુ કરવાના રહેશે, અને કારોબારી હિસાબ તપાસી ખુલાસા જાણી ચર્ચા વિચારણા કરી મંજુર કરી તે જનરલસભા સમક્ષ રજુ કરશે.

(૫) વાર્ષિક જનરલ સભા મોડામાં મોડી દર વર્ષે છ માસની અંદર એટલે કે ૩૦મી સપ્ટેમ્બર સુધીમાં બોલાવવાની રહેશે. સ્થળ અને સમય કારોબારી નકકી કરશે.

કલમ (૨૨)     સામાન્ય મેમ્બરોની ફરજો અને જવાબદારીઓ :

(૧) જમાઅતના હાલનાં અને ભવિષ્યમાં અમલમાં આવનાર ધારા ધોરણ અને બંધારણને આધીન થઇ સંસ્થામાં રહેવું પડશે.
(૨) જમાઅત તરફથી નિયત થયેલ લવાજમની ફી દરેક સભ્યોએ નિયમિત રીતે આપવાની રહેશે.
(૩) નકકી કરેલ સમયે જમાઅતમાં સારા નરસાં એટલે કે ખુશી ગમીના પ્રસંગે તેમજ સમારંભોમાં દરેક સભ્યોએ પોતાની નૈતિક સામાજીક ફરજ સમજી અવશ્ય હાજરી આપવાની રહેશે.
(૪) જમાઅતની કાર્યવાહી અને પ્રવૃત્તિની વિશેષ જાણકારી અને સ્પષ્ટતા માટે સેકેટરીને લેખીત જાણ કરવાની રહેશે.
(૫) સભામાં બોલતી વખતે કોઇપણ હોદેદ્દારો,કારોબારી સભ્ય અગરતો સામાન્ય સભ્ય અંગે વ્યકિતગત આક્ષેપાત્મક કે વ્યંગાત્મક ભાષા વાપરી શકાશે નહીં. અર્થાત ઘર્ષણ થાય તેવી ચર્ચા કોઇ સભ્ય કરી શકશે નહીં.
(૬) ચૂંટણી સમયે પોતાનો મત હાજર રહેલ સભ્ય આપી શકશે.
(૭) જમાઅતના ધારાધોરણ બંધારણનો ભંગ કરનારને તેમજ વાર્ષિક લવાજમની ફી નહીં આપનાર પોતાનો મત આપી શકશે નહિં.
(૮) જમાઅતના કોઇ સભ્યની અંગત માલીકી કે ઇજારાશાહી રીતે ન ચાલતી હોય, દરેક સભ્ય સમાજની ઉન્નતિ અને ભલાઇના કાર્યો માટે પોતાની પણ ફરજ સમજી , જમાઅતની દરેક પ્રવૃત્તિમાં પોતાનો સાથ સહકાર અને માર્ગદર્શન તન,મન અને ધનથી હમેશા આપતા રહેશે જમાઅતના હિત માટે જ્યારે જે કંઇ કાર્ય સોંપે તે નિષ્ઠાપુર્વક પૂર્ણ કરે અને તે માટે દરેક સભ્ય બંધાયેલ ગણાશે.
(૯) જમાઅતના બંધારણીય નિયમો તેમજ સામાજીક રીતરીવાજોનું દરેક સભ્યે વફાદારી, નિખાલસતા,અને હમદર્દ પુર્વક પાલન કરવાનુ રહેશે. આ જોગવાઇઓ ભંગ કરનાર સામે કારોબારી યોગ્ય પગલા લેવા હકદાર ગણાશે અને કારોબારી કમિટીનો ફેંસલો નિયમોનો ભંગ કરનારને બંધનકર્તા ગણાશે.
(૧૦) રાજીનામું આપનાર સભ્યનું રાજીનામું કારોબારી કમિટીમાં મંજુર થાય તે પછી જ તે સભ્ય જવાબદારીમાથી મુક્ત થઇ શકશે.

કલમ (૨૩)     બંધારણમાં ફેરફાર :

(૧) આ બંધારણમાં ફેરફાર કરવાનો હકક સામાન્ય રીતે વાર્ષિક સભાને રહેશે. પરંતુ કોઇ કાનુન હોવા કે ન હોવાના કારણે સંસ્થાના સંચાલનમાં કોઇ કાનુની અગવડ ઊભી થતી જણાશે, તો તેવા સંજોગોમાં જનરલ સભા તાકીદે બોલાવી તેમાં હાજર રહેલા સભ્યોની બહુમતિથી જરૂરી ફેરફાર કરી શકાશે.

(૨) વાર્ષિક અથવા જનરલ સભામાં બંધારણમાં ફેરફાર કરવાનો હશે તો તેની વિગત એજન્ડામાં સ્પષ્ટ રીતે દર્શાવવી પડશે.

(૩) બંધારણમાં ફેરફાર હાજર સભ્યોની ૨/૩ બે તૃતીયાંશ બહુમતિથી જ થઇ શકશે. જમાઅતના કોઇ પણ હોદેદારો વિરૂદ્ધ અથવા કારોબારી સમિતીની વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કારોબારી સમિતીના ઓછામાં ઓછા ૧૨ સભ્યો અને સામાન્ય સભાના ૨/૩ બે તૃતીયાંશ સ્પષ્ટ કારણો દર્શાવી સામાન્ય સભા સમક્ષ રજુ કરી શકશે. આ દરખાસ્ત પસાર કરવા માટે સામાન્ય સભાના હાજર રહેલા સભ્યોના બહુમતિ ટેકાની જરૂરીયાત રહેશે.

શદર બંધારણ સને ૧૯૬૪માં સામાન્ય સભાએ પસાર કરેલ તે સુધારા વધારા સાથે તા.૮-૭-૧૯૭૭ના રોજ જનાબ હાજી ખાનમોહમંદ તાલબભાઇના મકાનના ટેરેસ ઉપર મળેલ સભાએ મંજુર કરેલ ત્યાર બાદ સમયાંતરે થયેલા આજ દીન સુધીના ફેરફાર સાથે સર્વ સંમતિ થી સામાન્ય સભામાં મંજુર કરેલા આપ સર્વ સામે રજુ કરવામા આવે છે.

તા.૧-૧૨-૧૯૯૭

રજુ કરનારઃ વલીમોહમંદ એ. ઇસાણી
(જસદણવાલા)

ઓન. જ.સેકેટરી